છોટાઉદેપુર નગર પાલિકાના હાલના કોર્પોરેટર અને પૂર્વ ઉપપ્રમુખ ઝાકિરહુસેન મહંમદયુસુફ દડીએ 2025ના જાન્યુઆરીથી આજદીન સુધી ઇ-પેપર સંચાલક હસમુખ આર વરિયા, (બોડેલી) દ્વારા તેના મિત્ર પ્રવીણ બારીયા અને પ્રવીણ એસ. વણકર મારફ્તે પૈસાની માંગણીના મેસેજ પહોંચાડીને રૂા.20 હજારનો ખંખેર્યા હતા. ત્યારબાદ અવારનવાર રૂપિયાની માંગણીથી કંટાળીને બોડેલી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.


પૂર્વ ઉપપ્રમુખ અને હાલના સભ્ય ઝાકીરભાઈ દડીએ ફરીયાદ માં જણાવ્યું છે કે, હસમુખ વરિયા મીડિયા ઈ-પેપર ચલાવતા હોય તેણે તા 12-12-24ના રોજ ખોટા સમાચાર છાપી ઝાકીરભાઈને બ્લેકમેઇલ કર્યા હતા કે, બોગસ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી, બોગસ ચૂંટણીકાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ખોટી મતદાર યાદી બનાવી છે. તેવા ગંભીર ગુનામાં ફ્સાવી દેવાની બીક બતાવી ઝાકીરભાઈ પાસેથી સને 2025ના જાન્યુ.માં રૂા.20 હજાર પડાવી લીધા હતા. વધુ પૈસા પડાવવા માટે ઝાકીરભાઈ ઉપર ઉપરોક્ત ખોટા ગુનામાં ફ્સાવી દેવાની આરોપીના મિત્રો દ્વારા મેસેજ પહોંચાડી ઝાકીરભાઈ પાસે અવારનવાર માંગણી કરી ફરીયાદીની પ્રતિષ્ઠાને બદનામ કરવાની ધમકી આપી હતી. જે બાબતે ઝાકીરભાઈ દડીએ આરોપી હસમુખ વરિયા વિરુદ્ધ BNS 2023ની કલમ 308(6) ,308 (7), 351 (2) મુજબ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અમારી વિરુદ્ધ અરજી કરતાં અમે સાચા ઠર્યા

પૂર્વ ઉપપ્રમુખ ઝાકિરહુસેન મહંમદ યુસુફ દડીએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નં 3માં મતદારો વિશે જે સમસ્યા ઉદ્દભવી હતી. જે અંગે અમોએ કલેક્ટરમાં અરજી પણ કરી હતી. જેની તપાસ થતાં અમારી અરજી અંગે યોગ્ય નિરાકરણ પણ આવ્યું હતું. અમે સાચા ઠર્યા હતાં. પરંતુ આ બાબતે અમારા ખોટા સમાચાર પ્રકાશિત કર્યા હોય અને અમોને બ્લેકમેઇલ કર્યા હોય અને અમારી પાસે પૈસા પડાવ્યા બાદ પણ વધુ પૈસા માંગ્યા હોય જે બાબતથી કંટાળી અમોએ પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: